મીઠું જોખવાના કાંટાની વજનદાર વાત

 મીઠું જોખવાના કાંટાની વજનદાર વાત... અંબુ પટેલની કલમે.

--------------------------------------------

ધરમી બનીને તમે જોખજો સાયેબ, ઊજળો થશે અવતાર... જ્યારે મીઠું પકવતા અગરીયા મહિલાઓએ ખારાઘોડામાં બ્રિટિશ અધિકારીઓને ચુંટલો ભરતું લોકગીત ગાયું એ વરસ અંદાજે 1923 નું હતું. આ લોકગીત મીઠું જોખવાનાં વજન કાંટાને ધ્યાનમાં લઈ અને અગરિયા મહિલાઓએ ગાયું હતું. એવું કહેવાય છે કે વસ્તુઓ તોલવાની રીત છ હજાર વરસ પહેલાં મેસોપોટેમીયા માં શોધાયેલી. પરંતુ, કચ્છના નાના રણને કાંઠે આઝાદી પહેલા ખારાઘોડામાં મીઠાનો ધમધોકાર વ્યવસાય કરતી બ્રિટિશ મીઠા કંપનીએ ઈસ.1923માં ત્રણ પોર્ટબલ વજન કાંટાની ખરીદી કરી અને છાબડા ઉપર વેગન ઉભુ રાખીને જોખી શકાય તેવો વે - બ્રિજ બનાવ્યો. આ વે બ્રિજ એ બળદગાડા ના જમાનામાં ટેકનોલોજીની ક્રાંતિ હતી. મોટાભાગે મીઠાના જથ્થાને મેજર ટેપ થી માપી ને તેના સ્ક્વેર ફૂટ ગણીને મીઠાનું વજન કાઢવાની પદ્ધતિ અમલમાં હતી. અને કચ્છ તરફ કદાચ હમણાં સુધી મીઠા ના અગરમાં એ પદ્ધતિએ મીઠાના વજનની ગણતરી કરવામાં આવતી હતી. કદાચ, આજે પણ ત્યાં એ પદ્ધતિ અમલમાં છે કે કેમ તેની જાણ નથી. ભારત સરકાર નું નમક વિભાગ પણ મેજર ટેપથી મીઠાના ઢગલાઓનું માપ લઈને વજન નક્કી કરતું હતું. જેને મેજરમેન્ટ કહેતા હતા.

        જોકે ખારાઘોડામાં આઝાદી પહેલાં બ્રિટિશ વખતમાં હાલ જ્યાં ગ્રામપંચાયતનું મકાન છે તેમાં એક વખત મીઠું જોખવાનો છાબડા વાળો કાંટો હતો. ત્યાંથી વણઝારા પોઠ ભરી અને મીઠું ખરીદી લઇ જતા. આ ઉપરાંત બીજા ખરીદદારો પણ ત્યાંથી છૂટક મીઠાની ખરીદી કરતા તેવું કહેવાય છે.

   ખારાઘોડામાં બ્રિટિશ કાળમાં નાની મોટી ઘટનાઓ બની તેના સમય સમય પર લોકગીતો સ્વરૂપે એ ઘટનાઓનું સમુદાયે દસ્તાવેજીકરણ કરીને હૈયા વગુ સાચવ્યું છે. એ રીતે આ વજન કાંટો પણ લોકગીતમાં વણાઈ ગયો. અગરિયા મહિલાઓ એ હળવા વ્યંગ સાથે બ્રિટિશ સરકારને મીઠું જોખતી વખતે અધર્મ ન આચરવાની શિખામણ આપી છે. અમસ્તો પણ એ વખતે વજન કાંટો એ કુતૂહલ અને અચરજ નો વિષય હતો.

        અમે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એ વરસ કદાચ 1980નું હતું. સોલ્ટ ઇન્સ્પેકટરના બંગલા પાસે આવેલી લાઈનમાં જેમ્સ નામના એક વૃદ્ધ કારીગર રહેતા હતા. તેમની કદાચ એ છેલ્લી અવસ્થા હતી અને એકલ પંડે હતા. એ પેઇન્ટિંગ પણ કરતા અને વજન કાંટા રિપેર પણ કરતા. એ મલ્ટી ટેલેંટેડ હતા.સહુ કહેતા હતા કે બ્રિટિશ વખતમાં એ વજન કાંટાના સ્પેશિયલ ફોરમેન હતા.

          આઝાદી પછી એ કાંટા નો ઓર જમાનો આવ્યો. તેના ઉપર હવે મીઠાના ટ્રક જોખવામાં આવતા. મીઠાની એ સીઝનમાં સિનિયર દરજ્જાના ક્લાર્ક ને કાંટા કારકુન તરીકે જવાબદારી સોંપવામાં આવતી. ત્યાં કામ કરતા એ કારકુન ઉપર સહુ ને ભરોસો રહેતો. ને કારકુન પણ એક કિલો વજન આઘુંપાછું ન થાય તેનું પ્રામાણિકતા પૂર્વક ધ્યાન રાખતા.

   ત્યારપછી રણમાં પ્રાઇવેટ મીઠા ઉત્પાદન શરૂ થયું અને ખાનગી મીઠાના વેપારીઓના મીઠાના ઢગલાઓ થયા. દિવસે દિવસે મીઠાનો વેપાર અને ઢગલાઓ વિસ્તરતા ગયા. ત્યારબાદ પ્રાઇવેટ મીઠાના વજન કાંટા શરૂ થયા.

     મીઠાની સીઝન વેકેશનમાં આવે એટલે કાંટા ઉપર સ્લીપ મેન ની નોકરી કે કાંટા ઉપર મીઠું જોખવાની નોકરી કરીને અનેક વિદ્યાર્થીઓ ભણતર નો ખર્ચ કાઢતા. અને વિદ્યાર્થીઓ ને કાંટા માલિક પહેલી તક આપતા. મોટા ભાગે ત્રણ મહિના ચાલતી સીઝન માં ચારસો પાંચસો રૂપિયા સહેજે મલી જતા ભણતર ના ખર્ચ નો માવતર ને ભાર ઘટતો. આમ ખારાઘોડા ના મીઠા ના વજન કાંટાઓ એ માત્ર મીઠાનો નહી પણ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓના ભણતરનો ભાર પણ ઝીલ્યો છે. સીઝનમાં વેપારીઓ , અગરિયાઓ અને ટ્રાન્સપોર્ટ વાળાઓ થી કાંટો હંમેશા ભરચક રહેતો. હવેતો ડિજિટલ કાંટા આવી ગયા છે. મીઠાનો વેપાર અને ઉત્પાદન પણ વધ્યું છે.

      પેલો ફોરમેન જેમ્સ નથી રહ્યો કે નથી રહ્યો 1923 માં બનેલો એ વજન કાંટો! બ્રિટિશરોને શિખામણ આપતુ એ લોકગીત પણ કાળની ગર્તામાં વિલીન થઈ ગયું છે. !!

--------------------------------------------# આલેખન: અંબુ પટેલ 

    અતીતની યાદ....

ફૂલછાબ દૈનિકની બુધવાર પૂર્તિ પંચામૃતમા મારી કોલમ રણના સ્મરણમાં પ્રગટ..


__________________________

Comments